રાજકોટ જિલ્લા પોલીસે પાકિસ્તાની, બાંગ્લાદેશી ઘૂસણખોરને પકડી લેવાના અભિયાન દરમિયાન શાપર-વેરાવળ અને મેટોડા જીઆઇડીસી પાસેથી બે ઘૂસણખોર બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી તેની પૂછતાછ કરી છે.
ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રાજકોટ જિલ્લામાં રહેતી હોવાની માહિતીને આધારે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ શર્મા સહિતની ટીમે જીઆઇડીસી ગેટ પાસેના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ યુવતીને અટકાવી તેની પૂછતાછ કરતાં તે ચોટીલા રહેતી અને મૂળ બાંગ્લાદેશના ઢાંકાના બાગરહાટ જિલ્લાના ગાબતલા ગામે રહેતી પાંખી બેગમ ઉર્ફે સુમી ખલીલ સરદાર (ઉ.36) હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી બાંગ્લાદેશી હોવાના પુરાવા મળતા પોલીસે અટકાયત કરી પુછપરછ કરી છે.
જ્યારે શાપર-વેરાવળ પોલીસ મથકના પીઆઇ રાણા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શાપર બસસ્ટેન્ડ પાસે એક બાંગ્લાદેશી મહિલા આવી હોવાની માહિતીને આધારે શંકાસ્પદ મહિલાની અટકાયત કરી તેની પૂછતાછ કરતાં તે હાલ અમદાવાદ ગીતાનગરમાં રહેતી હોવાનું અને મૂળ બાંગ્લાદેશના રૂગંસના બોપરા ગામે રહેતી હાસીબેન હમઝા મંડલ (ઉ.28) હોવાનું જણાવતા પેાલીસે તેની અટકાયત કરી વધુ પુછપરછ કરી હતી.