શહેરમાં જામનગર રોડ પર રહેતી પરિણીતાના પતિને શખ્સે ફોન કરી ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં શખ્સે વોટ્સએપ કોલ કરી તારા ઘેર રહે છે, તે મારી પત્ની છે, તેને હું તેડી જઇશ અને બીજા શખ્સો પાસે તારા ટાંટિયા ભંગાવી નાખીશ કહી ધમકીઓ આપી હેરાન કરતાં મહિલાના પતિએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર એક વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તેના લગ્ન એક માસ પહેલાં થયા હતા અને અગાઉ તે ત્રણેક વર્ષ પહેલાં તેના પિતાના ઘેર હતી ત્યારે ઇમિટેશન કામની મજૂરીકામ કરવા જતી હતી ત્યારે ત્યાં મારી સાથે કામ કરતા સુરેશ સાથે સંબંધ હોય બાદમાં મારા લગ્ન થઇ જતાં તેને બોલાવી તેની સાથે મિત્રતા સહિતના તમામ સંબંધ તોડી નાખવા અંગે વાત કરી હતી.
દરમિયાન તા.13-6ના રોજ સુરેશએ પરિણીતાના પતિને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે ફોન કરી યુવતી અને તેના પ્રેમસંબંધની વાત કરી હતી અને બાદમાં તારા ઘેર રહે છે, તે મારી પત્ની છે, હું તેને તેડી જઇશ અને બીજા પાસે તારા ટાંટિયા ભંગાવી નાખીશ કહી ગાળો આપી હેરાન કરતો હોય જેથી કંટાળી જઇ તા.14-6ના રોજ પરિણીતાના પતિએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.