શહેરના વિકાસમાં યોગદાન આપતા બાંધકામ સાઈટના મજૂરોના બાળકો હવે શિક્ષણથી વંચિત નહીં રહે. તેમના શિક્ષણ માટે શહેરમાં એક નવી અને અનોખી પહેલ ‘શિક્ષા રથ’ના રૂપમાં શરૂ થઈ છે, જ્યાં શાળા ન પહોંચી શકે ત્યાં આ શિક્ષા રથ પહોંચે છે. બાંધકામ સાઈટના મજૂરોના 6 હજાર જેટલા બાળકો જેઓ શિક્ષણથી વંચિત છે તેમને શિક્ષણ આપવાનો સંકલ્પ જીનિયસ ગ્રૂપના વી.એમ.મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાયો છે. શિક્ષિત અને અનુભવી શિક્ષકો દ્વારા બાળકોને શાળા જેવી જ ગુણવત્તાવાળી શિક્ષણ સેવા આપવામાં આવી રહી છે.
બાંધકામ સાઇટ પર જીવન જીવી રહેલા મજૂરોના બાળકો ઘણી વખત શાળામાં પ્રવેશ લઇ શકતા નથી. તેમની સમસ્યાને ધ્યાનમાં રાખીને શિક્ષા રથ યોજના હાથ ધરાય છે. એક વિશેષ રીતે તૈયાર કરાયેલા વાહનમાં શિક્ષણ માટે જરૂરી તમામ સાધનો, પુસ્તકો, શૈક્ષણિક રમતો, ઓડિયો-વિઝ્યુઅલ સાધનો અને અન્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રતિદિન નક્કી કરાયેલા સ્થળોએ જઈને શિક્ષા રથ બાળકોને શિક્ષણ આપે છે.
શ્રમિકો ગોધરા, પંચમહાલ જેવા રાજ્યના પછાત વિસ્તાર ઉપરાંત દેશના બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યમાંથી રોજગારી માટે આવતાં હોવાથી તેમના બાળકોને સરકારી કે કોર્પોરેશનની શાળામાં અભ્યાસની તક મળતી નથી. અમારા સરવે મુજબ નાની- મોટી 2000 સાઇટ પર 6000થી વધુ ચારથી દશ વર્ષના બાળકો પાયાના અક્ષર જ્ઞાનથી વંચિત છે. > ડી.વી.મેહતા, ફાઉન્ડર, ઉમ્મીદ શિક્ષા રથ પ્રોજેક્ટ