રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉતરી ન શકતાં યાત્રિકો ગભરાયા

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના હજુ લોકોના મનમાંથી વિસરાઈ નથી ત્યારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે સાંજે દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ લેન્ડ ન થઇ શકતા એક તબક્કે ફ્લાઈટમાં બેઠેલા યાત્રિકો ગભરાઈ ગયા હતા. આ ફ્લાઈટે બે વખત લેન્ડિંગ માટેનો પ્રયત્ન કર્યો પરંતુ તે રન-વેને ટચ કરીને જ ફરી ઉડાન ભરી લીધી હતી. ત્રીજા પ્રયત્ને આ ફ્લાઈટે સફળતાપૂર્વક લેન્ડિંગ કરતા યાત્રિકોમાં હાશકારો થયો હતો. ફ્લાઇટના પાઇલટને અલાઈનમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો હતો જેના કારણે ફ્લાઈટને હવામાં જ બે ચક્કર લગાવવા પડતા હતા.

દિલ્હીથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ જેમાં આશરે 100 જેટલા પેસેન્જર સવાર હતા તે દિલ્હીથી સાંજે 5.50 વાગ્યાને બદલે 6.29 વાગ્યે ઉપડી હતી. આ ફ્લાઇટ હીરાસર ખાતે આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સાંજે 7.50 વાગ્યે લેન્ડિંગ થવાની તૈયારી હતી. આ દરમિયાન ફ્લાઇટના પાઇલટને અલાઈનમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો હતો. જેથી એટીસી દ્વારા હવામાં એક ચક્કર લગાવીને ફરી લેન્ડિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.

પરંતુ તેમાં સમય લાગ્યો હતો અને તેથી તે સ્લોટ એરપોર્ટ પર રહેલા ચાર્ટર પ્લેનને ટેક ઑફ થવા માટે આપી દીધો હતો જેથી એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટને હવામાં બીજું ચક્કર લગાવવું પડ્યું હતું અને આ દરમિયાન મુસાફરોમાં થોડો ડર ફેલાયો હતો જોકે બાદમાં ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ ગયું હતું. વિમાનમાં કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી ન હતી પરંતુ અલાઈનમેન્ટ કરવામાં થોડો સમય લાગ્યો તેને કારણે બે ચક્કર આકાશમાં લગાવવા પડ્યા હતા. પરંતુ અમદાવાદની ઘટના તાજી હોવાથી મુસાફરો ડરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *