વાર-તહેવાર, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠે રક્તદાનથી કોઈને જીવનદાન આપી શકાય છે

14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ’ તરીકે મનાવાય છે. રાજકોટ રેડક્રોસના ચેરમેન ડૉ. દીપક નારોલાએ વિશ્વ રક્તદાતા દિવસે કહ્યું હતું કે, રક્તદાન એ લોકોની જિંદગી બચાવવાનું અને માનવતાનું કાર્ય છે. ઉનાળામાં સામાન્ય રીતે લોહીની અછત થતી હોય છે, ત્યારે લોકોને વિનંતી છે કે, વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કરીને અન્ય લોકોના જીવન બનાવવાના માનવતાના કાર્યમાં સહભાગી બને. તેમણે ઉમેર્યું હતું કે, ‘14મી જૂન રક્તદાતા દિવસ’ નિમિત્તે ઉપરાંત વાર-તહેવાર, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને અન્યોને જીવનદાન આપીને અનોખી ઉજવણી કરી શકાય છે.

રાજકોટમાં રક્તદાતાઓના મહામુલા રક્તને જરૂરિયાતમંદ દર્દીઓના સારવાર-સ્થળ સુધી પહોંચાડવા અનોખી ‘ડોર ટુ ડોર ઈમર્જન્સી બ્લડ ડ્રાઈવ’ રાજકોટ રેડક્રોસ દ્વારા શરૂ કરવામાં આવી છે. કોઈ હોસ્પિટલમાંથી રક્તની માંગ આવ્યા પછી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને 90 મિનિટમાં જ દર્દીના બેડ સુધી રક્ત પહોંચાડી દેવામાં આવે છે.

આ ડ્રાઇવ માટે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ત્રણ ઈલેક્ટ્રિક સ્કૂટર રાખ્યા છે તેમજ તાલીમબદ્ધ 10 લોકોનો સમર્પિત સ્ટાફ છે. કોઈ હોસ્પિટલમાંથી કોઈ દર્દી માટે રક્તની માંગ આવે એટલે ઈ-સ્કૂટર પર જઈને સૌથી પહેલા દર્દીના રક્તનું સેમ્પલ કલેક્ટ કરી આશરે 20 મિનિટમાં જ રેડક્રોસ લેબ ખાતે લવાય છે. લેબમાં તેને પ્રોસેસ કરવામાં આવે છે. 40થી 45 મિનિટમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે. એ પછી રક્તદાતાઓએ આપેલા રક્તના સ્ટોરેજમાંથી મેચિંગ બ્લડ કોમ્પોનન્ટ કે રક્ત લઈને આશરે 20 મિનિટની અંદર જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચાડવામાં આવે છે. સ્પેશિયલ બેગ્સ અને અલગ-અલગ ક્ષમતાના આઇસ બોક્સમાં એક કે એકથી વધુ રક્ત યુનિટનું પરિવહન કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે, આ સેવા 24 કલાક ચાલુ છે અને તેના માધ્યમથી રોજ સરેરાશ 30 યુનિટ રક્ત પહોંચાડવામાં આવે છે. આ સેવાનો મોટો ફાયદો એ છે કે, તેનાથી દર્દીઓના સગાઓની રક્ત મેળવવા માટેની રઝળપાટ ઘણે અંશે ઘટી ગઈ છે. જો કોઈ દર્દીના સગા ના હોય તો પણ તેને સારવારના સ્થળે જ રક્ત મળી જાય છે. આમ રક્તદાતાઓનું રક્ત દર્દીના ખાટલા સુધી પહોંચાડીને તેમનું જીવન બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *