દાહોદની ઝાયડસ હોસ્પિટલનો મુખ્ય પ્રવેશદ્વાર શુક્રવારે એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના સર્જાઇ હતી. જેમાં 6 મહિના પહેલાં અહીં જ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેનાર યુવકના આત્માને ‘પરત’ તેડી જવા માટે, તેના પરિવારે ભૂવા પાસે વિધિ કરાવી હતી. એટલું જ નહીં આત્મા ભૂવામાં પ્રવેશ્યા બાદ પરિવાર તેને પોતાની સાથે લઇ ગયા હતા. હોસ્પિટલના કર્મીઓ અને રાહદારીઓ માટે આ કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નહોતું, જ્યાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાએ આધુનિક મેડિકલ સાયન્સના પ્રવેશદ્વારે જ પોતાનો પડાવ નાખ્યો હતો.
મધ્ય પ્રદેશના યુવકના નિધન બાદ તેના પરિવારને સતત કોઇક ‘કનડગત’નો અનુભવ થતો હતો. આથી, તેમણે ભૂવાને બતાવતાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે,”તમારા દીકરાનો આત્મા હજુ પણ દાહોદની ઝાયડસમાં જ ભટકે છે, તેને ગામમાં પાછો લાવવો પડશે.’ ભૂવાની વાત પર અંધશ્રદ્ધાળુ પરિવારે સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને શુક્રવારે ભૂવા સાથે આ ‘આત્મા’ને તેડી લાવવા માટે હોસ્પિટલ પહોંચી ગયા હતાં.
પરિવારની 5 મહિલા અને 3 પુરુષો અહીં આવ્યા હતાં. મહિલાઓના હાથમાં શ્રીફળ અને ફૂલવાળી થાળી પણ જોવા મળી હતી, જાણે કે કોઇ શુભ પ્રસંગે આવ્યા હોય. હોસ્પિટલના મુખ્ય ઝાંપે પડાવ નાખીને ભૂવો ધૂણવા લાગ્યો હતો. ભૂવા આગળ મૂકેલી થાળીમાં દીવો અને અગરબત્તી પણ કરાયા હતાં. ધૂણતા ભૂવાએ દાવો કર્યો કે ‘આત્મા’એ કેરી, દ્રાક્ષ, પાણીની માગ કરી છે. તાત્કાલિક વસ્તુઓ મંગાવીને ‘આત્મા’ને ધરાવાઇ હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે મહિલાઓ દ્રાક્ષ ભૂવાના મોઢામાં નાખતી નજરે પડી હતી, જાણે કે તે ખરેખર ‘આત્મા’ને ભોજન કરાવી રહી હોય.