શહેરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લેતા લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. નવાગામમાં મજૂરીકામ કરતાં આધેડ ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન નજીકમાં બાખડતા બે ખૂંટિયાઓ તેની પાસે આવી જઇ તેને ઢીંકે ચડાવતાં ગંભીર ઇજા પામેલા આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેના પરિવારમાં માતમ છવાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામમાં મામાવાડીમાં રહેતા ઇસ્માઇલભાઇ ઇદ્રિશભાઇ શેખ (ઉ.48) તેના ઘર પાસે ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન નજીકમાં બાખડતા બે ખૂંટિયાઓ તેની પાસે ધસી આવતા ખૂંટિયાથી બચવા આધેડ ઊભા થાય તે પહેલાં જ ખૂંટિયાઓએ તેને ઢીંકે ચડાવ્યા હતા અને બન્ને ખૂંટિયાએ ખૂંદી નાખતા ગંભીર રીતે ઇજા થઇ હતી.
બનાવને પગલે દેકારો થતા લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતાં 108ની ટીમે પહોંચી તબીબે મૃત જાહેર કરતાં કુવાડવા પોલીસ મથકના જમાદાર પ્રશાંતભાઇ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. ઇસ્માઇલભાઇ છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. તેમજ ગ્રામજનોએ નવાગામ પાસે છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ભારે ત્રાસ હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.