શહેરમાં વધુ એક પરિણીતા સાસરિયાંના ત્રાસનો ભોગ બની હતી. પ્રેમલગ્ન બાદ પતિ સહિતના સાસરિયાં મેણાંટોણાં મારતા હતા. પરિણીતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યારે પણ પતિ સહિતના સાસરિયાંએ કહ્યું હતું કે, તું ગાંડી છો, તને વળગાડ છે. માધાપરના ઇશ્વરિયા પાર્કમાં કાકાના ઘરે છેલ્લા પાંચેક મહિનાથી રહેતી હેમાંગી માંડવિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયાધારમાં સિટી કોટયાર્ડમાં રહેતા પતિ હાર્દિક માંડવિયા, સસરા શૈલેષ ચુની માંડવિયા, સાસુ શિલ્પા માંડવિયા, નણંદ અમીશા માંડવિયા, જેઠ પુષ્પક હિતેષ માંડવિયાના નામ આપ્યા હતા.
હેમાંગીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને હાર્દિક સાથે પ્રેમસંબંધ હતો અને જેથી બંને પરિવારે ડિસેમ્બર 2023માં લગ્ન કરાવી દીધા હતા. લગ્નના દશ મહિના બાદ પતિ સહિતના સાસરિયાંઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. હેમાંગીને પેનિક એટેક આવતાં પતિ સહિતના સાસરિયાં કહેતા કે, ‘તું ગાંડી છો, તને વળગાડ થયું છે, અમારે તારાથી છૂટું થઇ જવું છે’. પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા.
ત્યારબાદ પણ હેમાંગીને પેનિક એટેક આવ્યો ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ કેમ્પસમાં પણ હેમાંગીના પિયર અને સાસરિયાં પક્ષ વચ્ચે જામી પડી હતી, ત્યાં પણ સાસરિયાંએ હેમાંગીને ગાંડી સહિતના મેણાંટોણાં માર્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી હતી.