ઉદયપુર મોજમજા કરવા ગયેલા રાજકોટના સિમેન્ટ અને લોખંડના 9 ડિસ્ટ્રિબ્યૂટર સહિત ગુજરાતના 15 ઝડપાયા

ઉદયપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં સુખેર પોલીસ સ્ટેશને ડમી ગ્રાહક બની ખાસ ઓપરેશન પાર પાડી સેક્સ રેકેટ પકડી પાડ્યું છે. જેમાં 14 યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો અને તે મામલે 15ની ધરપકડ કરાઈ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ બધા ગુજરાતના અને તેમાં પણ 9 રાજકોટના રહેવાસીઓ છે. આ તમામ સિમેન્ટ અને લોખંડની કંપનીઓના ડિસ્ટ્રિબ્યૂટર હતા અને ટાર્ગેટ પૂરો કરતાં ટ્રિપ ઓફર થઈ હતી અને ઈવેન્ટના નામે શરાબ અને શબાબની વ્યવસ્થા રિસોર્ટના સંચાલકોએ કરી આપી હતી.

પોલીસને બાતમી મળી હતી કે, સ્વર્ણગઢ રિસોર્ટમાં દેહવ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. જેને લઈને પોલીસ ડમી ગ્રાહક બનીને ત્યાં પહોંચી હતી. ડમી ગ્રાહકે રિસોર્ટના સંચાલક હર્ષવર્ધનસિંહ અને નરગિસને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત થયા બાદ સંચાલકોએ યુવતીઓ બતાવી હતી. દેહવ્યાપાર થતો હોવાની ખરાઈ થતાં જ પોલીસ ત્રાટકી હતી જેથી ભાગદોડ મચી હતી જેનો લાભ લઈને સંચાલકો ભાગી ગયા હતા પણ 15 ગ્રાહકને ઝડપી લેવાયા હતા અને 14 યુવતીની અટકાયત કરાઈ હતી.

આ યુવતીઓ દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, કોટા અને રાજસ્થાનની હતી જેમને ઈવેન્ટના નામે રિસોર્ટમાં બોલાવાઈ હતી અને પછી દેહવ્યાપાર કરાવાતો હતો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ 29માં 15 ગુજરાતના અને તેમાં પણ 9 રાજકોટના છે. મોટા ભાગના લોકો સિમેન્ટ અને લોખંડની કંપનીના ડિસ્ટ્રિબ્યૂટર છે જેમાં મિહિર ચૌહાણ, હર્ષિત અજમેરા, નિલેશ નાકરાણી સહિતનાઓ છે જ્યારે અમુક યુવકોએ પોતાના પૂરા નામ લખાવ્યા નથી. જોકે આ તમામને કોર્ટમાં રજૂ કરાતા તેઓને જેલભેગા કરી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *