રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામે આવેલ ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરા એસીબીના હાથે રંગે હાથ લાંચ લેતા ઝડપાઇ ચૂક્યા છે. આરોપીઓએ હાઇસ્કૂલના નિવૃત શિક્ષક પાસેથી મોંઘવારી એરીયર્સ સહિતની 12.15 લાખની રકમ પાસ કરાવવા રૂપિયા 2 લાખની લાંચ માંગી હતી જે આપતા સમયે બન્ને આરોપીઓ વાણિયાવાડી વિસ્તારમાંથી રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આરોપીઓની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામ ખાતે ગાયત્રી હાઈસ્કૂલ આવેલી છે. આ હાઈસ્કૂલમાં ફરજ બજાવી નિવૃત થયેલા એક શિક્ષકે તેઓના મોંધવારીના 53% મુજબ એરીયર્સ બીલની રકમ તથા રજા રોકડ રૂપાંત્તરની રકમ મળી કુલ આશરે રૂ.12,15,000ની રકમ પોતાની ઝડપથી મળે તે હેતુથી હાઇસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરાને મળી રજૂઆત કરી હતી. જેની સામે આરોપીઓ દ્વારા નિવૃત શિક્ષક પાસેથી રૂ.3 લાખની માંગણી કરી હતી અને બાદમાં રકઝકના અંતે રૂપિયા 2 લાખ આપવા નક્કી કરાયું હતું અને આ રકમ આરોપીઓ દ્વારા તેમને ઘરે આપી જવા માટે કહ્યું હતું.
નિવૃત શિક્ષક પોતાના હક્કના રૂપિયા લેવા માટે લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં ટ્રેપ ગોઠવવા નક્કી કર્યું હતું. આરોપીઓએ લાંચની રકમ ઘરે આપવા માટે કહ્યું હોવાથી ફરિયાદી નિવૃત શિક્ષક રૂપિયા 2 લાખની રકમ લઇ આરોપીના ઘરે રાજકોટમાં વાણીયાવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં આરોપી ગુણવંતરાય ચુનીલાલ ખીરા (ઉ.વ.74) પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂ.2 લાખની ગેરકાયદેસર લાંચની રકમ માંગી આરોપી ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા (ઉ.વ.55)ની હાજરીમાં સ્વીકારી હતી જેથી તુરંત એસીબીએ બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.