રાજકોટના રામાપીર ચોક પાસે શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા ઈશિત કમલેશભાઈ પંચોલી (ઉ.વ.25) નામનો યુવાન આજે સવારે 9 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ જતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાન ઇશિત રાજકોટ સેવા સદન 3 ખાતે કોન્ટ્રાક્ટ બેઇઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તે એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો તેમના પિતા કમલેશભાઈ પ્રાઇવેટ નોકરી કરે છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ઈશિત સરકારી ઓફિસમાં નોકરી કરતો હોય, જેથી બનાવની જાણ થતા ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારી કર્મચારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેના પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.
અન્ય બનાવમાં રાજકોટના બ્રહ્મસમાજ ચોક પાસે ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વિપુલભાઈએ બે દિવસ પહેલા રાત્રે વેપારના રૂ.1.25 લાખ થેલામાં રાખી થેલો ટેબલ નીચે રાખ્યો હતો. જેમાં રોકડ ઉપરાંત ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડ વગેરે દસ્તાવેજો પણ હતા. તે લઘુશંકા કરવા દુકાનની બહાર નીકળ્યા બાદ પરત આવીને જોતાં રોકડ રાખેલો થેલો જોવા મળ્યો ન હતો. આથી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા CCTVમાં અગાઉ અલગ-અલગ ચોરીમાં સંડોવાઈ ચૂકેલો હનીફશા શાહમદાર કેદ થતાં હનીફશાને સોજીત્રા નગર પાણીના ટાંકા પાછળથી ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપીની પૂછપરછમાં તેણે અન્ય એક બાઈક ચોરીની કબૂલાત આપતા પોલીસે બે બાઈક, ફોન અને રોકડ સહિત રૂ.1.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ રાજકોટ અને મોરબીમાં વાહન ચોરી સહિત 24 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.