રાજકોટમાં બેડી ચોક પાસે ગોપાલ રેસિડેન્સીમાં પશ્વિમ બંગાળના 19 બાળકોને ગોંધી રાખી અમાનુષી અત્યાચાર કરી બાળમજૂરી કરાવાતી હોવાના કોલકાત્તાથી ઇનપુટ આવ્યા બાદ એસઓજી અને સમાજ સુરક્ષા વિભાગે ગુરુવારે રાત્રે દરોડો પાડી 19 બાળમજૂરને મુક્ત કરાવ્યા હતા ત્યારે આ બાળમજૂરોની ચામડી ચીરી નાખે તે હદે માર મરાયાનું બહાર આવતાં જિલ્લા કલેક્ટર દ્વારા કમિટીની રચના કરી સમગ્ર પ્રકરણની તપાસ લેબર ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે. જો આ બાળકોને ગોંધી રખાયાનું સાબિત થશે તો તમામને રૂ.2-2 લાખનું વળતર અપાશે તેમ જાણવા મળે છે.
પશ્ચિમ બંગાળમાં એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ માનવ અધિકાર આયોગમાં રાજકોટમાં બેડી ચોકમાં ગોપાલ રેસિડેન્સી શેરી નં.1માં ઇમિટેશન જ્વેલરીના કારખાનામાં બાળકોને ઢોરમાર મારી બે વર્ષથી મજૂરીકામ કરાવાતું હોવાની ફરિયાદ પહોંચતા માનવ અધિકાર આયોગે પશ્ચિમ બંગાળ પોલીસને જાણ કરતા આ મુદ્દે રાજકોટ પોલીસને જાણ કર્યા બાદ એસઓજીએ સમાજ સુરક્ષા વિભાગને સાથે રાખીને દરોડો પાડી 19 બાળમજૂરોને મુક્ત કરાવી મેડિકલ કરાવતા વાંસાની ચામડી છોલી નાખે તેવા ઢોરમાર મરાયાની અને એક બાળકને તો પૂંઠમાં કોઇ સાધન ઘુસાડી કારખાનાના માલિકે અત્યાચાર ગુજાર્યાનું પ્રકાશમાં આવ્યું હતું.