ટંકારા જુગારકાંડમાં 51 લાખના તોડ કર્યાના પ્રકરણમાં નાસતા-ફરતા પીઆઇ યુવરાજસિંહ ગોહિલની 6 માસ બાદ આદિપુરથી ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ યુવરાજ કિશોરસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત હરિસિંહ સોલંકી સહિત પોલીસકર્મીઓએ તા.24/10/24ની રાતે ટંકારા રોડ પર કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નં.105માં ઘૂસી સમય પસાર કરવા માટે પત્તાં વડે રમી રહેલા રાજકોટ, જામનગર અને મોરબીના માલદાર 8 લોકોનો વીડિયો બનાવી લીધો હતો.
જુગારનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. પત્તાં રમી રહેલા વિમલ પાદરિયા પાસે કેસ નહીં કરવા 12 લાખ માગ્યા હતા. વિમલનો મિત્ર સુમિત અકબરી 12 લાખ લઈ આવ્યો તે રૂપિયા લઈને તમામ લોકો સામે જુગારનો કેસ દાખલ કરી નાંખવાની ધમકી આપી તમામ માલદારોને લોકઅપમાં પૂરી દીધા હતા. બાદમાં જુગારનો કેસ દાખલ નહીં કરવા, મીડિયામાં ફોટા નહીં આપવા, પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા, સવારે જામીન આપી દેવાની અવેજીમાં 51 લાખનો તોડ કર્યો હતો. હાઈ પ્રોફાઈલ ટંકારા ફેક જુગારકાંડનો મીડિયા રિપોર્ટમાં કથિત ભાંડો ફૂટી ગયો હતો.
ચકચારી કેસની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી. એસએમસી ટીમે તપાસને અંતે 51 લાખના તોડકાંડમાં સંડોવાયેલા પીઆઈ વાય.કે.ગોહિલ અને હે.કો.મહિપત સોલંકી સહિત તપાસમાં ખૂલે તે તમામ પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદ નોંધાયાં બાદ પીઆઈ યુવરાજ અને હે.કો.મહિપત ફરાર થઈ ગયા હતા. 6 માસથી વધુનો સમય થઈ ગયો છતાંય ભાગેડુ પીઆઈ અને હે.કો. હાજર થયા નહોતા. મોરબી કોર્ટે ભાગેડુ તત્કાલીન પીઆઈ યુવરાજ ગોહિલ અને હે.કો.મહિપત સોલંકીને લીંબડી ડીવાયએસપી કચેરીએ હાજર થવા જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી હેડ.કો.મહિપત લીંબડી હાજર થઈ ગયો હતો, પરંતુ પીઆઈ યુવરાજ નાસતો ફરતો હતો. એસએમસીએ પીઆઈ યુવરાજને આદિપુરથી ઝડપી લીધો હતો. આ અંગે ડીવાયએસપી વી.એમ.રબારીએ જણાવ્યું હતું કે, યુવરાજને લીંબડી લાવી રહ્યા છીએ. તા.6 જૂને યુવરાજને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.