મેઘરાજાએ આવવાના અણસાર આપ્યા બાદ હવે વરસાદ ખેંચાતા અને ફરી ગરમીનો પ્રકોપ વધતા શાકભાજીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. માત્ર ચાર દિવસમાં રાજકોટ યાર્ડમાં મોટાભાગના શાકભાજીના ભાવમાં મણે રૂ.50થી 500નો વધારો થયો છે. જે ગૃહિણીઓના બજેટને વેરવિખેર કરી નાખશે તેવા સંકેતો મળી રહ્યા છે.
ગત તા.2થી 5 સુધીમાં શાકભાજીના ભાવમાં ઝડપી વધારો થયો છે. શાકભાજીમાં મણદીઠ ટમેટાં રૂ.200, સૂરણ રૂ.200, મૂળા રૂ.50, રીંગણા રૂ.110, કોબીજ રૂ.200, ફ્લાવર રૂ.100, ભીંડો રૂ.200, ગુવાર રૂ.350, ચોળાસીંગ રૂ.500, કારેલા રૂ.80, સરગવો રૂ.100, તૂરિયા રૂ.400, કાકડી રૂ.120, ગાજર રૂ.180, વટાણા રૂ.100, ગલકા રૂ.100, બીટ રૂ.50, મેથી રૂ.500, ડુંગળી લીલી રૂ.100, આદુ રૂ.70 અને મકાઇ લીલીના ભાવમાં રૂ.60નો વધારો થયો છે. જ્યારે પરવરના ભાવમાં રૂ.50, સૂકી ડુંગળીના ભાવમાં રૂ.35 અને મરચાં લીલાના ભાવમાં રૂ.250નો ઘટાડો થયો છે.
માત્ર 20 દિવસમાં લીંબુનો ભાવ મણે રૂ. 1950 ઘટ્યો લીંબુના ભાવમાં જબરદસ્ત તેજી બાદ હવે તેના વળતા પાણી થયા છે. લીંબુના ભાવ મણે વધીને રૂ.3400ને આંબી ગયા હતા અને ગત તા.17મી મેના રોજ રાજકોટ યાર્ડમાં લીંબુના રૂ.1100-3050ના ભાવે સોદા પડ્યા હતા. જેમાં 20 દિવસમાં જ ઝડપી ઘટાડો નોંધાયો છે અને ગુરુવારે લીંબુના રૂ.200-1100ના ભાવે સોદા પડ્યા હતા. આમ ઉંચા ભાવથી મણે રૂ.1950નું ગાબડું એટલે કે હોલસેલમાં કિલોએ રૂ.100નો ઘટાડો નોંધાયો છે.