શહેરના રંગોલી પાર્ક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ અંગે કલેક્ટર તંત્ર દ્વારા 15 જેટલા પાર્ટી પ્લોટો પર દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી. જેમાં ત્રણ જેટલા પાર્ટી પ્લોટમાં જાહેરનામાનો ભંગ થતો હોવાનું સામે આવતા આ મામલે આ ત્રણેય પાર્ટી પ્લોટ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, શહેરના આ રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટોમાં આયોજિત થતા કાર્યક્રમોના કારણે વારંવાર ધ્વનિ પ્રદૂષણ થતું હોવાની આ વિસ્તારના રહીશો દ્વારા તેઓને ફરિયાદ કરવામાં આવી હતી.જે અંગે તપાસ કરવામાં આવી હતી.કુલ 15 સ્થળે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પોલીસ તથા મામલતદારની ટીમ રોકાઈ હતી અને તપાસ માટે ટીમની રચના કરવામાં આવી હતી.
જ્યાંથી 3 સ્પીકર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્યાં ધ્વનિ પ્રદૂષણ અંગે જીપીસીબીના નિયમો તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાતો હોવાનું સામે આવતા આ ત્રણેય પાર્ટી પ્લોટના માલિકો અને આયોજકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબના ગુના દાખલ કરવામાં આવેલ છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાઉન્ડ સિસ્ટમ, ડીજે સ્પીકર સહિતનો મુદ્દામાલ આ તપાસ ટીમ દ્વારા કબજે લેવામાં આવેલ છે.