શહેરમાં ચુનારાવાડ પાસેના શિવાજીનગરમાં રહેતી સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. મોટી બહેન સાથે કામ બાબતે માથાકૂટ થતાં સગીરાએ આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.
ચુનારાવાડ પાસેના શિવાજીનગરમાં રહેતી જાગૃતિ ગોરધનભાઇ શિયાળ (ઉ.14) એ પોતાના ઘેર છતના હૂકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બહેન રૂમમાં જતા નાની બહેનને લટકતી જોઇ દેકારો કરતાં પરિવાર તેમજ પાડોશના લોકોએ આવી સગીરાને ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના જમાદાર ઘેલુભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક સગીરા ચાર બહેનમાં નાની હોવાનું અને પિતા ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવે છે. પોલીસની પૂછતાછમાં જાગૃતિને તેની મોટી બહેન કોમલ સાથે કામ બાબતે ઝઘડો થતાં લાગી આવતા આ પગલું ભરી લીધાનું તપાસમાં બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી છે.
ગૃહકંકાસથી કંટાળી મહિલાનો આપઘાત કાલાવડ રોડ પર વીરડા વાજડી ગામે બસ સ્ટેશન પાસે રહેતા દક્ષાબેન સુરેશભાઇ સોમૈયાએ ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવાર બહારથી આવતા પરિણીતાને લટકી હાલતમાં જોઇ દેકારો કરતા પાડોશના લોકો આવી જઇ ઉતારી જાણ કરતા 108ની ટીમેના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ચૌહાણ સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મહિલાને પતિ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હોય કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.