જસદણ પંથકના રામળીયામાં વ્યાજખોરો બેફામ બન્યા છે, 10 ટકા લેખે ઉઘરાણી કરી યુવકને બેફામ ફટકાર્યો હતો. કનેસરાનો દિલીપ પરમાર પોતાના ફઈના ઘરે આવ્યો હતો. જ્યાં અનિલ, રવજી અને ગિરીશ સહિતનાએ ધોકા પાઇપથી માર મર્યો હતો.
આ અંગે મળતી વિગત મુજબ દિલીપ છગનભાઈ પરમાર (ઉંમર વર્ષ 40, રહે. કનેસરા ગામ, તાલુકો જસદણ)એ જણાવ્યું કે, હું ખેતી કામ કરું છું.છ મહિના પહેલા મારે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા આરોપી પાસેથી 60 હજાર રૂપિયા લીધા હતા. જેનું પહેલા 7 ટકા વ્યાજ ઉઘરાવતા પછી 10 ટકા વ્યાજ લેતા હતા. અત્યાર સુધીમાં મુળ રકમ ઉપરાંત 20,000 ચૂકવી દીધા હતા. છતાં આરોપી વ્યાજ અને મુદ્દલ રકમની ઉઘરાણી કરતા હતા.ગઈકાલે બપોરે 1:30 વાગે હું મારા ફઈ નાનુબેન કરશનભાઈના ઘરે રામળીયા ગામે જમવા ગયો હતો. જ્યાં મારું બાઈક મેં બહાર પાર્ક કરેલ હોય, આરોપીઓને જાણ થઈ હતી કે હું મારા ફઈના ઘરે આવ્યો છું.
જેથી આ ત્રણેય આરોપીઓ ધોકા પાઇપ જેવા હથિયાર સાથે મારા ભાઈના ઘર પાસે ધસી આવ્યા હતા અને ઉઘરાણી કરી બેફામ માર માર્યો હતો. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અત્રેની સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવવાની જાણ ભાડલા પોલીસને કરી હતી. ભાડલા પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.