ગુજરાતના ખેલાડીઓને તાલીમ અને સતત અભ્યાસ હેતુ તમામ સુવિધાઓ સાથેના રમત સંકુલની વ્યવસ્થા કરવામાં આવે તેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે રમત ગમતને વિશેષ પ્રોત્સાહન આપવા વિશાળ રમત સંકુલના નિર્માણ કરવામાં આવી રહ્યા છે ત્યારે જસદણવાસીઓને તાલુકા કક્ષાના વિશાળ રમત સંકુલની ભેટ મળશે. જસદણ ખાતે આશરે 7 એકર જમીનમાં અંદાજે રૂ. 8.40 કરોડના ખર્ચે સંકુલનું નિર્માણ કરાયું છે, જેમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, બાસ્કેટ બોલ, કબડ્ડી, ખો ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ, આઉટડોર ગેમ્સમાં એથ્લેટિકસ, ફૂટબોલ, હેન્ડ બોલ, વોલીબોલની રમતો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તમામ રમતો માટે ગુણવત્તાસભર સાધનો સાથે 1- ખો-ખો કોર્ટ, 1- વોલીબોલ કોર્ટ, એથલેટિક્સ માટે 200 મીટર રેડ મડી ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, મલ્લખમ માટે વિશાળ જગ્યા, જૂડો, કરાટે, યોગા, મેડીટેશન માટે મલ્ટીપર્પઝ હોલ, ખેલાડીઓ માટે ચેન્જિંગ રૂમ, શૌચાલય, વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે, સંકુલ થકી જસદણ વિસ્તારના ખેલાડીઓને ઘર આંગણે તાલીમ મળી રહે છે જેના થકી 2037 માં ઓલિમ્પિકની યજમાની કરનારા ગુજરાતમાંથી જ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ખેલાડીઓ ગુજરાતને મળશે.