ધોરાજી તાલુકા ના ભાદાજાળીયા પાસે સાવકા પિતા એ 15 વર્ષ ની પુત્રી પર દુષ્કર્મ ગુજારી બે મહિનાનો ગર્ભ રાખી દેતા બનાવ થી ચકચાર મચી જવા પામી છે. પુત્રીએ માતાને પેટમં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતાં માતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ ગઇ હતી ત્યારે ફરજ પરના તબીબે આ ચોંકાવનારી હકિકત બયાન કરતાં માતા સ્તબ્ધ બની ગઇ હતી અને ઘરે જઇ પોતાના ભાઇને સઘળી બીના કહી હતી. આથી આ મામલે તરૂણીના મામાએ ફરિયાદમાં તેના સગા બનેવીનું નામ આરોપી તરીકે આપતા પાટણવાવ પોલીસ મથકની ટીમે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, પોકસો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સગીરાએ માતાને પોતાની આપવીતિ જણાવી હતી કે તેનો સાવકો પિતા તેની સાથે વારંવાર ન કરવાનું કરતો અને કોઇને કશું ન કહેવાની ધમકી આપતો હતો. પોતે તાબે ન થાય તો બળજબરી કરી વશ કરતો હતો.
પાટણવાવ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં રહેતા 50 વર્ષીય ખેડૂતે થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા. તેમની પત્ની તેમની સાથે આંગળિયાત 15 વર્ષની પુત્રી અને એક પુત્ર પણ સાથે લાવી હતી. તે પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરે છે.થોડા સમય પહેલા સગીરાએ તેમને પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ માતાને કરી હતી. જેથી માતા તેમને સારવાર માટે દવાખાને લઈ જતા સારવાર કરનાર તબીબે આપેલા જવાબથી તેની માતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તબીબે જણાવ્યું હતું કે, તમારી 15 વર્ષની પુત્રીને બે માસનો ગર્ભ છે, જે જવાબથી અવાચક થયેલી મહિલાએ તુરંત જ ઘટના અંગે તેના ભાઇને જાણ કરતા તુરંત જ દોડી આવેલા તેના ભાઈએ ભાણેજની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. સગીરાએ જણાવ્યું હતું કે, તેના સાવકા પિતાએ જ તેમની પર ખરાબ નજર નાખી હતી. તેમજ અવારનવાર ધમકીઓ આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ઘટનાની જાણ થયા બાદ મહિલા તેના ભાઈ અને સગીર પુત્રી સાથે પોલીસ મથકે દોડી જઇ ને પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.