નડિયાદ તાલુકાના માંઘરોલી નજીક નીલગાયના ટોળાંએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત થયા બાદ માર્ગ ઉપર પટકાયેલા યુવકના માથા ઉપરથી 25થી વધુ નીલ ગાયનું ટોળું પસાર થવાની સાથે યુવકના માથામાં નીલ ગાયોએ પગથી ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવકના મોતને પગલે હાલમાં પરિવાર આઘાતમાં છે.
માંઘરોલીમાં રહેતા મયંકભાઇ ચંદુભાઈ પટેલ ( ઉં. વ. 35) તમાકુના વેચાણથી આવેલા પૈસા બેંકમાં ભરવા માટે જઈ રહ્યા હતા. મયંકભાઈને બહારગામ જવું હોવાથી ઘરમાં વધુ પૈસા રાખવા જોખમી હોવાથી બપોરના 2:30 વાગ્યાના અરસામાં મયંકભાઈ માંઘરોલીથી સોડપુરની વચ્ચે નહેરવાળા માર્ગ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે નીલગાય સાથે મયંકભાઇનું બાઈક અથડાયા બાદ અન્ય નીલગાયના ટોળાએ મયંકભાઈને અડફેટે લઈ જમીન ઉપર પાડી દીધા હતા અને એક પછી એક 25 થી વધુ રોઝડા મયંકભાઇને માથામાં અને છાતીમાં થયેલી ઇજા જીવલેણ નીવડી તેમના ઉપરથી પસાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મયંકભાઈ નહેરના કિનારે જ પડી રહ્યા હતા.
આ સમયે આ માર્ગ ઉપરથી પસાર થતા અન્ય લોકોએ તેમને જોતાં તુરંત જ તેમને સારવાર માટે ઉમરેઠની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી નીલ ગાયોના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.