રાજકોટમાં વીજળી ગૂલ થતા PGVCLના અધિકારીઓને ખખડાવતા મહાનગરપાલિકાના સેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સામે મોરચો માંડ્યો છે. ગત ગુરૂવારે રાત્રે 2 વાગ્યે જયમીન ઠાકર પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન કચેરીએ પહોંચ્યા હતા અને ચાર દિવસથી લાઈટ જતી હોવાથી ફરિયાદ કરી હતી. આ સમયે PGVCLના અધિકારીઓને તમારા બાપુજીની પેઢી નથી તેમ કહ્યું હતું.
આજે (2 જૂન 2025) આ મામલે જીબીઆના PGVCLના જનરલ સેક્રેટરીની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીને લેખિત રજૂઆત કરી હતી અને જયમીન ઠાકરે અપમાનજનક અને બિન સંસદીય શબ્દોમાં તોછડાઈ ભર્યું વર્તન કર્યું હોવાની ફરિયાદ કરી હતી. જેથી આ વ્યક્તિ સામે ઉચ્ચ કક્ષાએ અને સરકારમાં રજૂઆત કરવા માગ કરી હતી.
PGVCLના જનરલ સેક્રેટરીની જિલ્લા કલેક્ટરને રજૂઆત ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશન (જીબીઆ) PGVCLના જનરલ સેક્રેટરી એમ.એમ. કડછાએ જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન હેઠળ આવતા વોર્ડ નં. 2નો વિસ્તાર આવે છે. જે વિસ્તારમાં 11 કેવી ભોમેશ્વર ફીડર અને 11 કેવી ઇન્કમટેક્ષ ફીડર હેઠળ આવે છે. 11 કેવી ભોમેશ્વર ફીડરમાં મારૂતીનગર, રેસકોર્સ પાર્ક, ગીતગુર્જરી, પેટ્રીયા હોટેલ આસપાસનો વિસ્તાર, જસાણી પાર્ક, સિંચાઈ નગર, ગોકાળીયાપરા વિગેરે આવે છે. તેમજ 11 કેવી ઈન્કમટેક્ષ ફીડરમાં રામેશ્વર ચોક આસપાસનો વિસ્તાર, આદર્શ સોસાયટી, રેસકોર્સ રિંગ રોડમાં મેયર બંગલાથી, કનકાઈ હોટેલ, જિલ્લા પંચાયત ચોક વિગેરે વિસ્તાર આવે છે.