વીંછિયા તાલુકાના થોરિયાળી ગામે ગત રાત્રીએ અમુક શખ્સ જુગાર રમી રહ્યા હતા ત્યારે કોઇએ મજાક ખાતર”પોલીસ આવી” તેવી ખોટી બૂમ પાડતાં અફરાતફરી મચી ગઈ હતી. આ નાસભાગમાં એક વ્યક્તિ કૂવામાં પડી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. થોરિયાળી ગામમાં ગત રાત્રીએ આશરે દસ જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા શખ્સે “પોલીસ આવી’ તેવી બૂમ પાડી હતી.
હકીકતમાં પોલીસે કોઈ દરોડો પાડ્યો ન હતો, પરંતુ આ ખોટી બૂમને કારણે જુગાર રમતા તમામ લોકોએ ગભરાઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ નાસભાગ દરમિયાન મુન્નાભાઈ મમકુભાઈ રાજપરા(ઉ.વ.28) નામનો એક વ્યક્તિ દીવાલ કૂદીને ભાગવા ગયો હતો. રાત્રીના અંધારામાં તેને દીવાલ પાસે આવેલો કૂવો દેખાયો નહીં અને તે કૂવામાં ખાબક્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા વીંછિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક મુન્નાભાઈ રાજપરાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે. વીંછિયા પોલીસે જુગાર રમતા અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.