જેતપુરના પેઢલા પાસેના રેલિંગ વિહોણા પુલનો એક ભાગ તૂટ્યો

જેતપુરના પેઢલા ગામે નેશનલ હાઈ વે પરથી ગામમાં જવાનો રસ્તો આવેલો છે તેમા તળાવ પાસે આવેલ કોઝ વે આવેલો છે જે રેલીંગ વગરનો તો છે જ, તેમાંય તેની એક બાજુનો ભાગ તૂટી પડ્યો હોય કોઈ વાહન પલ્ટી મારી અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે. ધોરાજી નેશનલ હાઇવે પરથી પેઢલા જવાનો રસ્તો આવેલો છે. આ રસ્તો નેશનલ હાઇવેથી જ ગામમાં જાય છે અને માર્ગ પર એક તળાવ આવેલું છે, આ તળાવ ઓવરફ્લો થઈ જાય ત્યારે પાણી ગામમાં જવાના રસ્તા પરના કોઝવે પર થઈને વહેતુ હોય છે. એટલે આ રસ્તા પર જ્યાં કોઝવે આવેલો છે ત્યાં જ રસ્તાનો ત્રણ ફૂટ ભાગ ધસી પડ્યો છે, એટલે અત્યારે રસ્તાનો જે ભાગ તૂટ્યો છે તે વાહન ચાલવાથી વધુને વધુ તૂટતો જાય છે, વાહનનું ટાયર આ તૂટેલ ભાગની કડ પર આવશે તો વાહન પલ્ટી મારીને અકસ્માતનો ભોગ બની શકે તેમ છે.

નવાઈની વાત તો એ છે કે જ્યાં કોઝવે છે ત્યાં માર્ગ અને મકાન વિભાગે કોઝવે પર પાણી હોય ત્યારે ચાલવું નહિ તેવા ચેતવણી દર્શવતા બોર્ડ લગાવ્યા છે પરંતુ આ ઉંડાઇ વાળા ભાગ પર જ રેલીંગ નથી જ્યારે ઉંડાઇ વાળો ભાગ કોઝવે પૂરો થાય તે સાથે જ રેલીંગ ફિટ કરાઇ છે તો રસ્તો પૂરો થાય ત્યાં સુધી. 5 વર્ષ પૂર્વે આ કોઝવે પર પાણી આવી ગયું હતું ત્યારે એક કાર ચાલક ત્યાંથી પસાર થવા જતા તે કાર સાથે તણાઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. કોઝવેનો પુલનો એક છેડો અકસ્માત સર્જી શકે તેટલી હદે તૂટી ગયો છે જે લોકોને દેખાય છે, તંત્રને નહીં. તસવીર : હિતેષ સાવલીયા આ તૂટી ગયેલા કોઝવે અંગે માર્ગ અને મકાન વિભાગના ઈજનેર અભય બરનવાલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કોઝવેની જગ્યાએ પુલ મંજૂર થઈ ગયો છે અને ચોમાસા બાદ તેનું કામ શરૂ થશે અને જો કોઝવે તૂટી ગયો હશે તો કામચલાઉ રીતે ત્યાં પથ્થરો નાંખી રીપેર કરાવી દઈશું જેથી ચોમાસું પુરું ન થઇ જાય ત્યાં સુધી કોઇ દુર્ઘટના ન બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *