કચ્છની પરિણીતા અને તેના કચ્છના પ્રેમીએ રાજકોટની હોટેલમાં રંગરેલિયા મનાવતા હતા, એટલું જ નહીં મહિલા હોટેલના બાથરૂમમાં નહાવા ગઇ ત્યારે તેના નવ વર્ષના પુત્ર સાથે પણ પ્રેમીએ બીભત્સ હરકતો કરી હતી અને જનેતાએ બાળકને આ બાબતે ચુપ રહેવા ધમકી આપી હતી. પોલીસે મહિલા અને તેના પ્રેમી સામે ગુનો નોંધ્યો હતો.
ભાવનગર રહેતા 35 વર્ષના યુવકે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના નવલનગરમાં રહેતી તેની પત્ની અને કચ્છના નખત્રાણામાં રહેતા તેના પ્રેમી મીતરાજસિંહ મહિડાના નામ આપ્યા હતા. યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ પોતે કચ્છના નખત્રાણાની એક કંપનીમાં નોકરી કરતો હતો અને તેની પત્ની તથા પુત્ર સાથે રહેતો હતો. પાડોશમાં મીતરાજસિંહ મહિડા રહેતો હતો. યુવકની પત્ની અને મીતરાજસિંહની આંખો મળ્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તે મુદ્દે યુવક તથા તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. વર્ષ 2023માં યુવકની પત્ની પુત્રને લઇને રાજકોટના નવલનગર વિસ્તારમાં રહેવા આવીગઇ હતી.
બીજીબાજુ યુવકની પણ ભાવનગર ખાતે બદલી થતાં તે ભાવનગર રહેવા જતો રહ્યો હતો, પરંતુ મીતરાજસિંહ મહિડા અને પરિણીતા વચ્ચેના સંબંધ ચાલુ રહ્યા હતા. મીતરાજસિંહ વારંવાર પરિણીત પ્રેમિકાને મળવા રાજકોટ આવતો હતો. એક વખત મીતરાજસિંહ રાજકોટ આવ્યો ત્યારે પરિણીતા તેના નવ વર્ષના પુત્રને લઇને પ્રેમીને બસ સ્ટેશન પાછળ આવેલી હોટેલ સિટી ઇનમાં મળવા ગઇ હતી અને ત્રણેય ત્યાં જ રોકાયા હતા. મહિલાએ પોતાના પુત્રની હાજરીમાં પ્રેમી સાથે પત્નીની જેમ જ સંબંધ બાંધ્યા હતા. સંબંધ બાંધ્યા બાદ પરિણીતા બાથરૂમમાં નહાવા ગઇ ત્યારે માનસિક વિકૃત મીતરાજસિંહ મહિડાએ નવ વર્ષના બાળકના કપડાં કઢાવી નાખ્યા હતા અને તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી.