યુક્રેનનો દાવો છે કે તેણે 40 રશિયન ફાઇટર પ્લેન તોડી પાડ્યા છે. યુક્રેનિયન વેબસાઇટ કિવ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, રવિવારે યુક્રેનિયન ડ્રોન દ્વારા બે રશિયન એરબેઝ ઓલેન્યા અને બેલાયાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આમાં A-50, TU-95 અને TU-22 જેવા સ્ટ્રેટેજિક બોમ્બરનો નાશ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, યુક્રેનિયન સુરક્ષા એજન્સી (SBU)એ આ હુમલો કર્યો હતો, જેમાં FPV (ફર્સ્ટ-પર્સન-વ્યૂ) ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. SBUના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલો સ્વ-બચાવમાં કરવામાં આવ્યો હતો કારણ કે રશિયન વિમાનો વારંવાર યુક્રેનિયન શહેરોને નિશાન બનાવે છે.
પ્રારંભિક અંદાજ મુજબ, નુકસાનની કિંમત 2 અબજ યુએસ ડોલર (રૂ.17 હજાર કરોડથી વધુ) સુધી પહોંચી શકે છે. રશિયાનું બેલાયા એરબેઝ યુક્રેનિયન સરહદથી લગભગ 4 હજાર કિમી દૂર છે અને ઓલેન્યા એરબેઝ લગભગ 1800 કિમી દૂર છે.