ફિલ્મ ‘હેરાફેરી 3’ આજકાલ સતત ચર્ચામાં છે. પરેશ રાવલે ફિલ્મ છોડી દીધા પછી ઘણા વિવાદો ઉભા થયા અને હવે આ મામલો કાનૂની કાર્યવાહી સુધી પહોંચવાની સ્થિતિમાં છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, પરેશ રાવલ ફરી એકવાર ફિલ્મમાં પાછા આવી શકે છે. સાથે બીજો એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે, પંકજ ત્રિપાઠી તેમનું સ્થાન લઈ શકે છે. જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી મેકર્સે આ મામલે મગનું નામ મરી પાડ્યું નથી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અક્ષય કુમાર અને પરેશ રાવલે ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવી દીધો છે. હવે ટૂંક સમયમાં પરેશ રાવલ ફરીથી ફિલ્મનો ભાગ બની શકે છે. આ ઉપરાંત તાજેતરમાં પરેશ રાવલના જન્મદિવસે સુનીલ શેટ્ટીએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.
જ્યારે ઘણા યૂઝર્સ એવું પણ માને છે કે, ‘હેરા ફેરી 3’નું અનાઉન્સમેન્ટ ટીઝર IPL 2025ના ફાઇનલ મેચના દિવસે રિલીઝ થશે. આ કારણોસર કેટલાક લોકો પરેશ રાવલના પાછા ફરવાના સમાચારને ફક્ત એક માર્કેટિંગ સ્ટ્રેટેજી માની રહ્યા છે.
પરેશ રાવલના પાછા ફરવાની વાતો વચ્ચે પંકજ ત્રિપાઠીનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે ‘બાબુરાવ’ના સિગ્નેચર હેરસ્ટાઇલ અને જાડા ચશ્મામાં જોઈ શકાય છે. સફેદ ધોતી અને બનિયાનમાં સજ્જ પંકજનો લુક સોનાની ચેન અને બ્રેસલેટથી પૂરો થાય છે, જે આ પાત્રની ઓળખ છે. ત્યારથી, અટકળો શરૂ થઈ ગઈ છે કે શું પંકજ ત્રિપાઠી પરેશ રાવલની જગ્યાએ બાબુરાવનું પાત્ર ભજવી શકે છે.
આ પોસ્ટ પર યૂઝર્સ પણ ભારે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ચાહકો માને છે કે, પંકજ ત્રિપાઠી પોતાના દમદાર અભિનય અને રમુજી શૈલીથી આ પાત્રને એક નવો રૂપ આપી શકે છે.