રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગત 3મેં ના રોજ રીબડાના યુવક અમિત ખુંટ સામે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી આ પછી પોલીસ જેને શોધતી હતી તે દુષ્કર્મના આરોપીએ પોતાના ગામમાં આવેલ વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગોંડલ તાલુકા પોલીસે સુસાઈડ નોટના આધારે રીબડાના પિતા-પૂત્ર અનિરુધ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધી હતી જેમાં બે એડવોકેટ, ભોગ બનનાર સગીરા અને યુવતીની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ કેસમાં જુનાગઢના સુત્રધાર રહીમ મકરાણી અને રીબડાના પિતા-પૂત્ર ફરાર હોય અને તેઓ ભારત છોડી ભાગી ગયા હોવાની માહિતી આધારે ત્રણેય સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.
રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ રીબડાના અમિત ખૂંટ નામના યુવક સામે ગત તારીખ 3.05.2025 ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસ આરોપીને શોધતી હતી તે દરમિયાન 5.05.2025ના રોજ રીબડા ગામે તેની જ વાડીએ ફાંસો ખાધેલી હાલતમાં અમિતની લાશ મળી આવી હતી. ગોંડલ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી હતી જે કબજે કરી હતી જે સ્યુસાઈડ નોટ આધારે ખોટા કેસમાં ફીટ કરાવ્યા હોય જેથી મૃતકના ભાઈએ રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પૂત્ર રાજદીપસિહ જાડેજા, પૂજા રાજગોર અને દુષ્કર્મની ફરિયાદી તરૂણી સામે મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ભોગ બનનાર તરૂણી અને પૂજાની ધરપકડ કરી પૂછતાછ કરતા રાજકોટના એડવોકેટ સંજય પંડિત, ગોંડલના એડવોકેટ દિનેશ પાતરે માર્ગદર્શન આપ્યું હોવાનું ખૂલતા તે બંનેની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમજ અમિતને ફ્સાવવા જુનાગઢના રહીમ મકરાણીએ પ્લાન ઘડ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બનાવના 25 દિવસ પછી પણ રીબડાના અનિરુધ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા અને જૂનાગઢના રહીમ સહીત ત્રણેય ફરાર હોય અને તેઓ દેશ છોડી નાસી છૂટ્યા હોવાની શંકાએ ગ્રામ્ય પોલીસ દ્વારા રહીમ ઉપરાંત અનિરૂદ્ધસિંહ અને તેના પૂત્ર રાજદીપસિહ સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરવા કવાયત હાથ ધરી છે.