વીંછિયા ગામના સેવાભાવી તબીબ ડો. જે.એમ. મકાણીના નિધનને પગલે શુક્રવારે ગામ લોકો અને વેપારીઓએ બપોરના 2 વાગ્યાથી સાંજ સુધી સજ્જડ બંધ પાળી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આજીવન દર્દીઓની સેવામાં સમર્પિત રહેલા અને દાનવીર તરીકે જાણીતા ડો. જે.એમ. મકાણી છેલ્લા દોઢ વર્ષથી અમેરિકામાં તેમના તબીબ પુત્ર હરિકૃષ્ણભાઈ સાથે રહેતા હતા. ગત અઠવાડિયે તેમનું અવસ્થાના લીધે કુદરતી જ નિધન થયું હતું. અમેરિકન સરકારના નિયમો મુજબ તેમની અંતિમવિધિ શુક્રવારે હોવાથી વીંછિયાના ગ્રામજનોએ તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા આ બંધનું પાલન કર્યું હતું.
આ ઉપરાંત, રવિવારે સાંજે 4 કલાકે વીંછિયામાં જૈન વાડી ખાતે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો ગ્રામજનો ઉપસ્થિત રહી શોકભીનો ઠરાવ પસાર કરશે. સેવાની અનેરી મિસાલ જગાવનારા તબીબને ગામલોકોએ શોકમય બંધ પાળી શ્રધ્ધાંજલિ અર્પી.