રાજકોટ શહેરમાં બે ડેરીમાંથી દહીં અને શુદ્ધ ઘીનો નમૂનો મનપાના ફૂડવિભાગે લીધા બાદ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ બન્ને નમૂના નાપાસ જાહેર થયા છે.
મહાનગરપાલિકાના ફૂડવિભાગ દ્વારા જામનગર રોડ પર ઇશ્વરિયા મહાદેવ મંદિર મેઇન રોડ પર ‘ખોડિયાર ડેરી ફાર્મ’માંથી લેવામાં આવેલો ખાદ્યચીજ “દહીં (લુઝ)’ નો નમૂનો પૃથક્કરણ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા SNFનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેલ) જાહેર થયેલ છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા પેડક રોડ પર મનહર સોસાયટી-1માં આવેલા ‘હરે રામ હરે કૃષ્ણ ડેરી ફાર્મ’માંથી ખાદ્યચીજ ‘શુદ્ધ ઘી (લુઝ)’નો નમૂનો લેવામાં આવ્યો હતો જે તપાસ બાદ પૃથક્કરણ રિપોર્ટમાં BR રીડિંગ ધારાધોરણ કરતાં વધુ તથા ફોરેન ફેટ (વેજિટેબલ ફેટ)ની હાજરી હોવાથી નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેલ) જાહેર થયેલ છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત મનપાની ટીમે શહેરના હરિધવા રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં 9 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ હતી. તેમજ શહેરમાં ત્રણ સ્થળેથી આઈસ્ક્રિમના 5 નમૂના લીધા હતા.