મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ. આર. પટેલની સૂચના અનુસાર તથા એડી. સિટી એન્જિનિયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શુક્રવારના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા સોસાયટીમાં રક્ષિત કોમ્પલેક્સમાં માર્જિનમાં વધારાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર, નાયબ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ માર્જિનમાં દબાણ જેવી સામાન્ય બાબતમાં પણ ડિમોલિશન કર્યા બાદ મોટો મીર માર્યો હોય તેમ પ્રેસનોટ પબ્લિશ કરાવી લીંબડ જશ ખાટવા પ્રયત્ન કરતા જોવા મળે છે અને જ્યારે તેમને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, માધાપર ચોકડી પાસે ગેરકાયદે હાઇરાઇઝ બિલ્ડિંગ ખડકી દેનારા બાકીર ગાંધી જેવા મોટા ગજાના ગેરકાયદે બાંધકામ કરનારા સામે પગલાં લેવા બાબતે પ્રશ્ન પૂછવામાં આવે તો રીતસરના એકબીજા પર ખો આપવામાં આવે છે. ‘નબળો ધણી બૈરી પર શૂરો’ જેવી આ ઘટનાથી મ્યુનિસિપલ કમિશનર, નાયબ કમિશનર, ટીપી શાખાના અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ વગધારીઓ પાસે પાંગળા બની જતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.