સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને હવે જીકાસ પોર્ટલના મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુનિ.સંલગ્ન કુલ 58 કોલેજોમાં 4000 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારો માટે બી.એડ. કોલેજો સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ પ્રવેશ ફોર્મ માટેનું કેન્દ્ર છે. જ્યાં ફોર્મ ભરાશે ત્યાં જ વેરિફિકેશન પ્રક્રિયા પણ થઇ શકશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 58 બી.એડ. કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વર્ષોથી બી.એડ.કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા મધ્યસ્થ પ્રવેશ સમિતિ મારફત થતી હતી. જ્યારે આ વર્ષે બી.એડ.માં પ્રવેશ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા જીકાસ પોર્ટલ મારફત કરવામાં આવી રહી છે. બી.એડ.માં પ્રવેશ માટે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર અરજી કરી શકશે.
બી.એડ.માં પ્રવેશ માટે સામાન્ય કેટેગરીમાં 50 ટકા અને અનામત કેટેગરીમાં 45 ટકા હોવા જરૂરી છે. ઇડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પણ બી.એડ.માં પ્રવેશ માટે 50 ટકા હોવા જરૂરી છે. બી.એડ.માં પ્રવેશ માટે ફોર્મ ભરવા માગતા વિદ્યાર્થીઓ કોઇપણ બી.એડ.કોલેજમાં જઇ પ્રક્રિયા કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ ફોર્મ ભરવાનું કેન્દ્ર છે. જ્યાં પ્રવેશ ફોર્મ ભરવાની અને વેરિફિકેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની 58 બી.એડ.કોલેજમાં 4000 વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકશે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 7 જૂન રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ રાઉન્ડ જાહેર કરી પ્રવેશની કામગીરી કરવામાં આવશે.