વગર ટેન્ડરે 150 ફૂટ રિંગ રોડની કાયાપલટ થશે!

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનારી છે જેમાં કુલ 76 દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં સૌથી અગત્યની કહી શકાય તેવી શહેરના વિવિધ વિસ્તારોની ટ્રાફિક સમસ્યા હલ કરવા માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના 10.5 કિ.મી. લંબાઇના 150 ફૂટ રિંગ રોડ તથા જંક્શન રિ-ડિઝાઇન કરવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવા દરખાસ્ત કરવામાં આવી છે. બરોડા, અમદાવાદ જેવા શહેરોમાં રિંગ રોડની ડિઝાઇન બનાવનાર સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા હાલના 150 ફૂટ રિંગ રોડનો સરવે કરી સાઇકલ ટ્રેક સહિતના અડચણો દૂર કરી રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે સૌથી વિચિત્ર અને ભવિષ્યમાં વિવાદ સર્જે તેવી બાબત એ છે કે, સુરતની એસવીએનઆઇટી નામની આ એજન્સીને કામ આપવા કમિશનરે દરખાસ્ત કરી છે, પરંતુ આ એજન્સીને કામ આપવા કોઇ ટેન્ડર પ્રક્રિયા કરી ન હોય અને કામની સમયમર્યાદા માટે કોઇ ઉલ્લેખ કર્યો ન હોય અનેક સવાલો ઉઠ્યા છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડનું નિર્માણ 2009-10માં રૂ.108 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું અને હવે 15 વર્ષ બાદ શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ શાસકો દ્વારા રોડને પહોળો કરવા દરખાસ્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોડ પર બનાવેલા સાઇકલ ટ્રેકનો ઉપયોગ પાર્કિંગમાં જ થઇ રહ્યો છે. તેમજ બન્ને બાજુ આવેલા કોમર્સિયલ એકમોને કારણે મોટાભાગનો રસ્તો પાર્કિંગમાં પેક થઇ જતો હોય મનપાના શાસકોએ આ પ્રશ્નના નિરાકરણની કવાયત હાથ ધરી છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં કમલમ કાર્યાલય પાસે વોર્ડ નં.2માં રૂ.4.45 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે અને તેનો કોન્ટ્રાક્ટ નરેન્દ્ર એમ.પટેલને આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત શાકમાર્કેટ અને ફ્લાવર માર્કેટના થડાના માસિક દર રૂ.500માંથી વધારીને રૂ.1500 કરવા દરખાસ્ત કરવામાં આવી છે. વોર્ડ નં.1થી 18 માં જુદી-જુદી જગ્યાએ રેઇન વોટર કાર્પેટિંગ માટે બોર અને બોર રિચાર્જ સિસ્ટમ રૂ.1.99 કરોડના ખર્ચે બનાવવા દરખાસ્ત કરાઇ છે. વોર્ડ નં.3માં અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલયના રિનોવેશન માટે અને વોર્ડ નં.2માં શાળા નં.74નું નવું બિલ્ડિંગ બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *