રૈયામાં દબાણકારોએ સરકારી જમીન પર ખડકી દીધેલા દબાણને બુધવારે દૂર કરવામાં આવ્યું હતું. દબાણકર્તાઓએ રહેવા માટે ઝૂંપડાં, ઢોરને રાખવા માટે વાડો બાંધી લીધો હતો. આ ઉપરાંત સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે સર્વિસ સ્ટેશન બનાવી તેને ભાડે આપી દીધું હતું. આ તમામ દબાણો દૂર કરીને અંદાજિત રૂ.35 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ દબાણ દૂર કરાતા પહેલાં દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં તેઓએ દબાણ દૂર નહિ કરતા આખરે વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું
મામલતદાર અજીત જોશીના જણાવ્યાનુસાર રૈયા વિસ્તારમાં ઓમકાર રેસિડેન્સીની સામે ટીપી 22, રૈયા સરવે નંબર 318માં પ્લોટ નંબર 66-1 અને 66-2 પર જે દબાણ ખડકવામાં આવ્યું હતું તે દૂર કરવામાં આવ્યું છે. દબાણ દૂર કરવા સમયે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જ્યારે સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવતું હતું ત્યારે દબાણકર્તાઓએ નકામા માલ-સામાન અને કચરામાં દીવાસળી ચાંપી હતી, પરંતુ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી દેવામાં આવી હતી આથી,કોઈ માલ-મિલકતને નુકસાન થયું નહોતુ કે કોઈ જાનહાનિ થઇ નહોતી. અગાઉ અનેક વખત નોટિસ આપવા છતાં દબાણકર્તાઓએ દબાણ દૂર નહિ કરતાં આખરે પોલીસ સ્ટાફને સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં અનધિકૃત રીતે સરકારી જમીનો પર ખડકાયેલા દબાણોને હટાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલાં પણ સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે.