શહેરના પૂર્વ ઝોનમાં વોર્ડ નં.16 અને વોર્ડ નં.4માં ટીપી શાખાએ ડિમોલિશન કરી એક ત્રણ માળનું કોમર્સિયલ બિલ્ડિંગ અને બે દુકાન સાથેની સુપર માર્કેટ તોડી પાડી છે. વોર્ડ નં.16માં કોઠારિયા રોડ પર પુનિત સોસાયટી મેઇન રોડ પર સંજના ફર્નિચરની બાજુમાં અનધિકૃત રીતે વાણિજ્ય હેતુનું ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું, તેમજ ત્રીજા માળે પતરાંના શેડનું બાંધકામ હતું. મનપાના સિટી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ તા.27 અને 28 એમ બે દિવસ ડિમોલિશનની કાર્યવાહી કરી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું. આ ગેરકાયદે બાંધકામ કોર્પોરેટરના આશીર્વાદથી ઊભું થયાની ચર્ચા થઇ રહી છે.
આ ઉપરાંત શહેરના મોરબી રોડ પર વોર્ડ નં.4માં રાધા-મીરાં મેઈન રોડ સેટેલાઇટ ચોકમાં આવેલી વાણિજ્ય હેતુની બે દુકાનનું દબાણ તોડી પડાયું હતું. આ દુકાનમાં સુપર માર્કેટ બનાવવામાં આવી હતી. જે ટીપી શાખાએ તોડી પાડી હતી. આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનિંગ શાખા પૂર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમર્જન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.