સુરતના પોશ વિસ્તારમાં ગણાતી વેસુના ગેલ કોલોની વિસ્તારમાં ગઈકાલે મધરાતે એક મર્સિડીઝ કારને આગ ચાંપી દેવાની ઘટના બની હતી. શ્રીકૃષ્ણા સોસાયટી પાસે આવેલી નીલકંઠ નિવાસના પાર્કિંગમાં ઊભેલી એક મર્સિડીઝને અજાણ્યા ઈસમે આગ લગાડતાં દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ ગયાં હતાં. પરિવારે દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ગાડીમાં એક લાખથી વધુનું નુકસાન પહોંચી ચૂક્યું હતું. જૂની અદાવતમાં કોઈએ આગ લગાડી હોવાનું પરિવારનું અનુમાન છે. વેસુ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, બે અજાણ્યા શખસ એક્ટિવા સ્કૂટર પર ઘટનાસ્થળે આવ્યા હતા, જેમાંથી એકના શરીરે ગ્રે કલરનું શર્ટ, માથે બ્લૂ કલરની કેપ અને રૂમાલ હતો. આ ટીખળખોરોએ નક્કર પ્લાનિંગ સાથે કાર પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તરત જ એના પર આગ ચાંપી દીધી હતી. માત્ર સેકન્ડોમાં જ મોંઘી દાટ મર્સિડીઝમાં આગ પ્રસરવા લાગી અને ગાડીમાંથી ધુમાડો ઊડવા લાગ્યો. ત્યાં રહેતા પરિવારના સભ્યો ઘરમાંથી તાત્કાલિક દોડી આવ્યા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાડીના આગળના કાચ, છાપરું, બોનેટ અને ઇન્જિનના ભાગમાં ભારે નુકસાન થઇ ચૂક્યું હતું.
કારના માલિક આંચલ સિંહ દ્વારા આપેલા નિવેદન મુજબ, આ હુમલાથી આશરે રૂ. 1 લાખથી વધુનું નુકસાન થયું છે. પરિવારજનોએ એવો પણ શંકાસ્પદ દાવો કર્યો છે કે આ આગ જૂની અદાવતના કારણે ફૂંકવામાં આવી છે. કારના માલિકે સમગ્ર ઘટના અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી, કડક કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરી છે.