હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પિકઅપ પોઇન્ટમાં નંબર પ્લેટ વગરની કાર લઈ આવતા અસામાજિક તત્ત્વોથી કેબ ચાલકો પરેશાન થયા છે. જેને લઇને કેબ એસોસિએશને કલેક્ટરને રજૂઆત કરી હતી અને આ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
કેબ એસોસિએશનના સભ્યોએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, હિરાસર એરપોર્ટ પર રોજ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે. જે પૈકી કેટલાક મુસાફરો ખાનગી કાર ભાડે કરીને આવે છે. જ્યારે કોઈ ખાનગી કારચાલકો પેસેન્જર ભરીને આવે ત્યારે તેમની સાથે અસામાજિક તત્ત્વો કે જેની પાસે કોઇ પાસિંગ વગરની, નંબર પ્લેટ વગરની કાર હોય છે અને તેઓ કેબના સભ્યો સાથે ઝઘડો કરીને તમે શું કામને પેસેન્જર ભરીને આવ્યા? અહીં અમને પૂછ્યા વિના તમારે ગાડી ભરીને આવવું નહિ, તેમ કહીને દાદાગીરી કરીને ડ્રાઈવરો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે. જેને કારણે પેસેન્જરો પણ ખાનગી કારમાં આવવાનું ટાળે છે.આ રીતે અમારા ધંધા- રોજગારને અસર થાય છે.
ખાનગી કારચાલકો પાસેથી પાર્કિંગ ચાર્જ પણ મોટી રકમનો વસૂલ કરવામાં આવે છે ત્યારે આ બધા મુદ્દાને ધ્યાને રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ અંતમાં કાર- કેબ સંચાલકોએ જણાવ્યું છે અને યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં માગણી કરી છે.