બોલિવૂડ એક્ટર સોનુ સૂદ એક વિવાદમાં ફસાઈ ગયો છે. એક્ટરનો પહાડો પર બાઈક રાઈડિંગ કરતો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ઉઘાડા ડીલે હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યો છે. આ વીડિયોમાં તેની સાથે ઘણા બાઇકર્સ જોવા મળે છે. વીડિયોમાં સોનુ સૂદ બાઇક પર ખતરનાક લેકને પાર કરતો જોવા મળે છે. આ વીડિયો હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લાનો છે.
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ વીડિયોમાં હિમાચલ પ્રદેશ પોલીસને ટેગ કર્યા છે અને ટ્રાફિક નિયમો પર પ્રશ્નો ઉઠાવ્યા છે. દરમિયાન લાહૌલ-સ્પીતિ પોલીસે સમગ્ર મામલાની તપાસ DSPને સોંપી દીધી છે. પોલીસે પ્રેસનોટમાં એમ પણ કહ્યું છે કે પ્રાથમિક માહિતી મુજબ, આ વીડિયો વર્ષ 2023નો લાગે છે. બાકીની તપાસ ચાલુ છે અને નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.