રાજકોટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી રેક્ટરને ચકમો આપી નાસી ગઈ​​​​​​​

શહેરના ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી 4 સગીરા શુક્રવારે સવારે રેક્ટરને ચકમો આપી નાસી છૂટતાં દોડધામ મચી ગઇ હતી. ચારેય સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી અને છ મહિનાથી માંડી એક વર્ષથી આ હોમમાં રહેતી હતી. સગીરાને શોધી કાઢવા પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ સ્થળે રવાનાથઇ હતી.

ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ઓફિસર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પૂજાબેન લક્ષ્મણભાઇ શિયાળે ચાર સગીરાના ફરાર થઇ જવા અંગે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પૂજાબેન શિયાળે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં 45 જેટલી સગીરાઓને રાખવામાં આવી છે. શુક્રવારે સવારે 7.30 વાગ્યાના અરસામાં તમામ સગીરાઓને નિત્યક્રમ મુજબ નાસ્તો આપવામાં આવ્યો હતો અને સગીરાઓ નાસ્તો કરી રહી હતી. 7.45 વાગ્યાના અરસામાં ચાર સગીરા હોમના મહિલા રેક્ટર પાસે આવી હતી અને મહિલા રેક્ટરને વાતોમાં ઉલઝાવ્યા હતા.

વાતચીત કર્યા બાદ બે સગીરા ત્યાંથી દૂર જઇ હોમના ગેટ નજીકના ખૂણા પર ગોઠવાઇ ગઇ હતી જ્યારે અન્ય બે સગીરાએ પાણી પીવા જઇએ છીએ તેમ કહી ગેટ નજીક પહોંચી હતી અને ગેટ પહેલાની જાળી ખોલતાં જ રેક્ટરનું તેના પર ધ્યાન પડ્યું હતું. મહિલા રેક્ટરે બૂમ પાડતાં જ જાળી ખોલનાર બંને સગીરાએ ગેટ ખોલી નાખ્યો હતો અને તે બે તેમજ અગાઉથી ખૂણામાં ગોઠવાઇ ગયેલી અન્ય બે સગીરા સહિત ચારેય સગીરા મહિલા રેક્ટરની નજર સામે દોડીને હોમની બહાર ભાગી ગઇ હતી. મહિલા રેક્ટરે થોડે સુધી દોડીને પીછો કર્યો હતો પરંતુ ચારેય નાસી જવામાં સફળ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *