અત્યાર સુધી રાજકોટ સહિત દેશની મોટાભાગની CBSE ખાનગી શાળાઓમાં જે ચિત્ર જોવા મળ્યું છે તે એ છે કે, વર્ગખંડમાં અંગ્રેજી બોલવા પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાવા જઈ રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શાળાઓને એક મોટો નિર્દેશ જાહેર કર્યો છે, જેમાં તમામ સંલગ્ન શાળાઓને તેમના વિદ્યાર્થીઓને માતૃભાષાની ઓળખ શક્ય તેટલી વહેલી તકે તે કરાવવા જણાવ્યું છે.
સીબીએસઈની નવી માર્ગદર્શિકા અનુસાર, શાળાઓમાં પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 2 સુધીના બાળકોના શિક્ષણને હવે ‘પાયાના તબક્કા’ તરીકે ગણવામાં આવશે. આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણો હેઠળ લાવવામાં આવ્યો છે. આ તબક્કે વિદ્યાર્થીઓને જે ભાષામાં શીખવવામાં આવશે તે તેમની માતૃભાષા અથવા કોઈપણ પ્રાદેશિક ભાષા હોવી જોઈએ જે તેઓ પહેલાથી જ સમજે છે.
આ નવી માર્ગદર્શિકા દ્વારા CBSE એ સ્પષ્ટ કર્યું છે કે, માતૃભાષા ફક્ત ઘરની દીવાલો સુધી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ તે શાળાના ક્લાસરૂમમાં પણ ગુંજવી જોઈએ. બોર્ડ માને છે કે, બાળકોનો સંપૂર્ણ વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે તેમને એવી ભાષામાં વિચારવાની અને સમજવાની તક મળે જેમાં તેમના હૃદય અને મનને માફક આવે.
હાલમાં દેશભરની CBSE શાળાઓમાં, ખાસ કરીને પ્રાથમિક વર્ગોમાં, અંગ્રેજીનો ઉપયોગ મુખ્ય શિક્ષણ ભાષા તરીકે થાય છે. આ જ કારણ છે કે ઘણા નાના બાળકોને શરૂઆતથી જ ભાષાકીય બોજનો સામનો કરવો પડે છે. સીબીએસઈનો આ નવો નિર્ણય ફક્ત બાળકોના મૂળને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ ભાષાકીય વિવિધતાને સન્માન આપશે.