એકબાજુ રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી તારીખ 1 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બીજીબાજુ સોમવારે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હોવા છતાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અસહ્ય બફારાથી લોકો પણ અકળાયા હતા.
હવામાન વિભાગ તરફથી સોમવારે 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. વરસાદની સાથે 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 29 મે સુધી ભારે વરસાદ અને 1 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવનની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. 27 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.