શહેરના આકાશવાણી રોડ પર પિતાના ઘરે પુત્ર સાથે રહેતી યુવતીને તેનો મોરબી રહેતો પતિ રાજકોટ આવીને પણ ત્રાસ આપતો હતો. પતિ પુત્રને મળવાના બહાને આવી ગાળો આપી ધમકી આપતો હતો અને પરિણીતાના પિતા સહિતના પરિવારજનોને પણ ગાળો આપી જેમ-તેમ બોલીને જતો રહેતો હતો.
આકાશવાણી રોડ પર સંજય એપાર્ટમેન્ટમાં બે વર્ષથી પિતાના ઘરે રહેતી ચાંદની ચારોલા (ઉ.વ.31)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રામભક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ સ્મિત મુળજી ચારોલાનું નામ આપ્યું હતું. ચાંદનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2015માં સ્મિત ચારોલા સાથે થયા હતા અને સંતાનમાં સાત વર્ષનો પુત્ર મંત્ર છે. સાસુ-સસરા હરિપર કેરાળા ગામે અલગથી રહે છે. ચાંદની અક્ષર સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે.
લગ્નના બે વર્ષ બાદ પતિ સ્મિતને દારૂ પીવાની કુટેવ પડી હતી. પતિને દારૂ પીવાની ના કહેતા તે મારકૂટ કરતો હતો અને સ્મિતે દેણું કરતાં તે ઘરે આવતો નહીં, જેથી લાંબો સમય ચાંદની એકલી રહેતી હતી. જેથી કંટાળીને ચાંદની પિયર આવી ગઇ હતી. ત્યારબાદ તેનો પતિ અને મામાજી સમાધાન કરીને પરત લઇ ગયા હતા. જોકે ત્યારપછી પણ સ્મિતમાં કોઇ સુધારો થયો નહોતો અને મેણાંટોણાં મારતો હતો કે, તને ઘરભેગી કરી દેવી છે, તું નથી જોઇતી, ત્રાસથી કંટાળી ચાંદની તા.5 મે 2023ના પુત્ર મંત્ર સાથે રાજકોટ પિયરમાં આવી ગઇ હતી. પતિ સ્મિત પુત્રને મળવાના બહાને આવી ધમાલ કરતો રહેતો હતો. ગત તા.22 એપ્રિલના સ્મિત રાજકોટ આવ્યો હતો અને પત્ની ચાંદનીને ગાળો દઇને કહ્યું હતું કે, આજે નહીં તો કાલે તારે આવવું જ પડશે, હું છૂટાછેડા નહીં જ આપું. ચાંદનીએ ગાળો દેવાની ના કહેતા સ્મિત માર મારવા લાગ્યો હતો. ચાંદનીના પિતા વચ્ચે પડતાં તેમને પણ ગાળો ભાંડી હતી અને ધમાલ કરી જતો રહ્યો હતો. અગાઉ પણ અનેકવાર જેમ-તેમ બોલીને ધમકી આપતો હતો પરંતુ સંસાર તૂટે નહીં તે માટે બધુ સહન કરતી હતી. જો કે, રોજિંદા ઝઘડાથી કંટાળી અંતે પિયર આવી ગઈ હતી. પોલીસે ચાંદનીની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.