રાજકોટ શહેરના એસ.ટી.બસપોર્ટ પાછળ આવેલ બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી આઈસીયુ આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં મહિલા તબીબે એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લઈને મોતને વ્હાલું કરી લેતાં તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે. સાથે- સાથે આ પગલું ભરવા પાછળનું કારણ અંગે બન્ને પક્ષે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
એનેસ્થેટિક ડ્રગ્સના ઓવરડોઝથી 4 દિવસ બાદ મોત રાજકોટ શહેરના મોરબી રોડ પર રોણકી ગામે રહેતી અને બાલાજી હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી કરતી એન્જલ ધવલભાઈ મોલિયા (ઉં.વ.27)એ 21 મે, 2025ના રોજ એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઈ લેતાં પોતે હોસ્પિટલમાં જ ઢળી પડતાં તેને ત્યાં જ દાખલ કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ સારવાર કારગત નહીં નિવડતાં શનિવારે (24 મે) મોડી રાત્રે એન્જલનું મોત નીપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
બનાવ અંગે એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, એન્જલે આ પગલું શા માટે ભર્યું તે અંગે કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા એન્જલના પતિ સહિત પરિવારજનોની પૂછપરછ હાથ ધરી નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. ઈન્કવેસ પંચનામા સાથે પોસમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં મૃતક મહિલા તબીબના પતિ પણ બીએચએમએસ ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. તેની પૂછપરછ કરવામાં આવતાં ધવલે પણ એન્જલ સાથે કોઈ પ્રકારની તકરાર ન હોવાનું જણાવ્યું હતું.