રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ માલધારી સોસાયટીમાં સૂચિત સોસાયટીમાં ગેરકાયદે દબાણો ખડકાયાનું ધ્યાનમાં આવતા મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન શાખાએ ગુરુવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી અને 5 દુકાન તથા 1 મકાન દૂર કરી 275 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોનના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર શ્રીવાસ્તવે જણાવ્યા અનુસાર શહેરના વોર્ડ નં.5માં ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ માલધારી સોસાયટીમાં સૂચિત સોસાયટીમાં જીડીસીઆરના નિયમ વિરુદ્ધ 5 દુકાન અને 1 રહેણાક મકાનનું ગેરકાયદે બાંધકામ કરાયું હતું.
આ મુદ્દે મહાનગરપાલિકા દ્વારા દબાણકર્તા કલ્પેશ નામના શખ્સને અનેક નોટિસ આપવામાં આવી હતી અને દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં કલ્પેશ નામના શખ્સે ગેરકાયદે બાંધકામ ચાલુ રાખી દુકાનો અને મકાનો ચણી લેતા હાઇકોર્ટના નિર્દેશ મુજબ નોટિસ આપ્યા બાદ ગુરુવારે સવારે 10 વાગ્યે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 275 ચો.મી. જમીનમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે દબાણકર્તા સામે અન્ય કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.