સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 59મા સ્થાપના દિવસની ઉજવણી આજે કરાશે. કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી દ્વારા સવારે 11:30 કલાકે સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરુ અને આદ્યસ્થાપક ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા અને 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેવા કાયમી શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે. કાર્યક્રમ કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક્રમમાં રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, પૂર્વ કુલપતિઓ પ્રોફે. કમલેશ જોષીપુરા તથા પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે.
કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાના 58 વર્ષ પૂર્ણ કરી 59મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રગતિમાં યોગદાન આપનાર યુનિવર્સિટીને વટવૃક્ષ બનાવનાર પાયામાં રહેલા શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓની સેવાઓને બિરદાવવાનો વિચાર મનમાં હતો અને યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા કાયમી કર્મચારીઓ કે જેઓની સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે તેમને પોંખવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક, સંશોધન, રમતગમત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે એ માટે સૌ સાથે મળીને કાર્ય કરીશું.