બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. એવામાં સુરક્ષાને ધ્યાનમાં રાખી એક્ટરને Y+ સિક્યોરિટી આપવામાં આવી છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે બે દિવસમાં બે વ્યક્તિ સલમાનની Y+ સિક્યોરિટી ભેદી છે. એક પુરુષ અને એક મહિલાની ગેરકાયદે ઘૂસણખોરી મામલે ધરપકડ કરવામાં આવી હતી.
એક્ટર મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેમના પરિવાર સાથે રહે છે. મુંબઈ પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસનાર બે વ્યક્તિઓ સામે અલગ-અલગ કેસ નોંધ્યા હતા. પોલીસની નજીકના સૂત્રએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે પોલીસે પહેલા છત્તીસગઢના એક વ્યક્તિ જીતેન્દ્ર કુમાર સિંહ સામે 20 મેના રોજ બોલિવૂડ સુપરસ્ટારને મળવાના પ્રયાસમાં બિલ્ડિંગમાં પ્રવેશ કરવા બદલ કેસ નોંધ્યો હતો.
બીજો કેસ 21 મેના રોજ બન્યો હતો. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈશા છાબરા નામની એક મહિલાએ સુરક્ષાથી છુપાઈને એપાર્ટમેન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તે રાત્રે 3:30 વાગ્યે બિલ્ડિંગની લિફ્ટ પર પહોંચી. સુરક્ષા ગાર્ડે મહિલાને પકડી લીધી અને બાંદ્રા પોલીસને સોંપી દીધી. આ મામલે પણ તપાસ ચાલી રહી છે.
મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરમાં બળજબરીથી ઘૂસનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટના 20 મેના રોજ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છત્તીસગઢનો રહેવાસી 23 વર્ષીય જીતેન્દ્ર કુમાર 20 મેના રોજ સાંજે 7.15 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. સુરક્ષાથી બચવા માટે, તે કારની પાછળ છુપાઈને એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. જીતેન્દ્ર સલમાન ખાનને મળવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો.