અંકુરનગર પાસેના ભોલેનાથ સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતાં ઘુસાભાઇ ગીગાભાઇ જાદવ રાત્રીના તેના ઘર પાસે હતા ત્યારે મનીષ લોધા નામનો શખ્સ તેના ઘર પાસેથી પૂરપાટ ઝડપે સ્કૂટર લઇને નીકળતા તેને ઊભો રાખી શેરીમાં બાળકો રમતાં હોય જેથી વાહન ધીમું ચલાવવું તેમ કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા મનીષે તું મને કહેવા વાળો કોણ? કહી ઝઘડો કર્યો હતો અને ફોન કરી તેના પિતરાઇ ભાઇ ઋત્વિક ઉર્ફે દાદુ લોધાને બોલાવ્યો હતો અને બન્ને શખ્સે ઢીકાપાટુ બાદમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. દેકારો થતાં બન્ને શખ્સ નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઘુસાભાઇને સિવિલમાં ખસેડાયા હતા.
માલવિયાનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.