શહેરમાં કોઠારિયા રોડ પર નીલકંઠ પાર્કમાં રહેતા પરિવાર તેના મોરારિનગરમાં તેના મકાને હતા ત્યારે પતિથી અલગ રહેતી મહિલા અને તેના ભાઇ સહિતે ધોકા,પાઇપ વડે હુમલો કરતાં પિતા-પુત્ર સહિત ત્રણને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે ભક્તિનગર પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નીલકંઠનગરમાં રહેતા સાહિદ સલીમભાઇ ચુડાસમા (ઉ.19) અને તેના કાકા અલ્તાફભાઇ સાથે તેના મોરારિનગરમાં આવેલા મકાને ભાડૂઆતને બતાવવા ગયો હતો. દરમિયાન તેની અલગ રહેતી માતા રેશ્માબેન ધસી આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો. જેથી તેના પિતા સલીમભાઇને ફોન કર્યો હતો અને તેના દાદા ઇકબાલભાઇ અને દાદી હલુબેન આવ્યા હતા તેને સમજાવતા હતા ત્યાં માતાએ ફોન કરતાં સાહિદના મામા સદામ અબ્દુલભાઇ ગોધાવિયા અને તેની સાથે અમીન ઇકબાલભાઇ, રજાક વલીભાઇ ગોધાવિયા અને ફિરોઝ રજાકભાઇ ગોધાવિયાએ ધોકા,પાઇપ સાથે ધસી આવ્યા હતા અને કાકા,ભત્રીજા પર હુમલો કર્યો હતો. દરમિયાન દાદા અને દાદી વચ્ચે પડતાં તેને મારકૂટ કરી હતી. બાદમાં તેના પિતા સલીમભાઇ આવી જતા તેને ધોકા,પાઇપના ઘા ઝીંકી દીધા હતા. દેકારો થતા લોકો એકઠા થઇ જતા બધા નાસી છૂટ્યા હતા.
બનાવને પગલે ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ અજોડિયા સહિતે સાહિદની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.