શહેરમાં યાજ્ઞિક રોડ પર રાત્રીના એકીસાથે ચાર સ્કોર્પિયો પૂરઝડપે નીકળી માનવ જિંદગી જોખમાઇ તે રીતે સ્ટંટ કરી રીલ ઉતારી હતી. જે રીલ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં એ-ડિવિઝન પોલીસે તપાસ કરતાં મહિલા પોલીસના પતિ સહિતે રેસ લગાવી રીલ બનાવી હોવાનું બહાર આવતાં પોલીસે મહિલા પોલીસના પતિ સહિત ચારની ધરપકડ કરી માફી મગાવી ચાર સ્કોર્પિયો કબજે કરી વિશેષ કાર્યવાહી કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં મિરજાપુર ફિલ્મના ડાયલોગ સાથે રીલ ઉતારેલ હોય અને મોડી રાત્રીના યાજ્ઞિક રોડ પર રેસ લગાવી રોંગસાઇડમાં પૂરપાટ એકીસાથે ચાર સ્કોર્પિયો ચલાવતા હોવાનું બહાર આવતાં એ-ડિવિઝન પોલીસ મથકના જમાદાર સાગર માવદિયા સહિતે તપાસ કરતાં સ્કોર્પિયો કાર ચલાવતો આકીબ જલવાણી મહિલા પોલીસનો પતિ હોવાનું બહાર આવતા પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે રામનાથપરામાં હુસેની ચોકમાં રહેતો આકીબ યાસીનભાઇ જલવાણી, હાથીખાનામાં રહેતો ફરહાદ મહેબૂબભાઇ સુમરા, રામનાથપરા હુસેની ચોકમાં રહેતો સાહિલ અયુબભાઇ ટોયા અને થોરાળા પાસેની મનહર સોસાયટીમાં રહેતો સેનિફ રફીકભાઇ સૈયદની ધરપકડ કરી હતી. આ રીલ તેમણે તા.24-4ના રોજ રાત્રે બનાવી હતી.