શહેરના 38 બ્રિજનું ટેસ્ટિંગ શરૂ, ડેન્સિટી 20થી ઓછી હશે તો કોન્ક્રીટ ખરાબ ગણાશે

ગત વર્ષે આવેલા વિનાશક પૂરમાં પાલિકાની અનેક મિલકતોને ભારે નુકસાન થયું હતું. ત્યારે સરકારના આદેશ મુજબ પાલિકા દ્વારા આ વર્ષે ચોમાસા પૂર્વે શહેરના 38 બ્રિજનું ચેકિંગ કરાઈ રહ્યું છે. સરકાર માન્ય 2 એજન્સી દ્વારા રોજ 2 બ્રિજમાં કોન્ક્રીટ ડેમેજ છે કે કેમ તે અંગેની મશીનથી ચકાસણી થશે. 10 દિવસમાં ચેકિંગ કરી 15 જૂન સુધી સરકારમાં રિપોર્ટને અપાશે. સોમવારે અમિતનગર અને સમા બ્રિજનું ચેકિંગ કરાયું હતું.

રાજ્ય સરકારની સૂચના મુજબ દર વર્ષે પાલિકા તમામ બ્રિજ અને નાળાનું પ્રિ-ઓડિટ કરે છે. રાજ્ય સરકારે માન્ય કરેલી મેકવેલ અને ડેલ્ફા નામની એજન્સી દ્વારા શહેરનાં 9 મોટાં નાળાં, રેલવે અને રિવર ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરનું ચોમાસા પહેલાંનું પ્રિ-ચેકિંગ કરવાનું શરૂ કરાયું છે. એજન્સીઓના 8-8 એન્જિનિયરો દ્વારા રોજ 2 બ્રિજમાં કોન્ક્રીટ ક્વોલિટી ટેસ્ટ કરાશે. જેમાં કોન્ક્રીટની યુનિફોર્મિટી ચેક કરાશે. તેમાં જો ક્ષતિ મળે તો તેનો રિપોર્ટ તૈયાર કરશે. જેમાં જો બ્રિજમાં કોઈ ખામી હોય તો તે અંગે પાલિકા સરકારને જાણ કરી સમારકામ કરાવશે.

મોરબી કાંડ બાદ શહેરના 38 ફ્લાયઓવર, રેલવે બ્રિજ અને નાળાનું ઓડિટ કર્યું હતું. જેમાં કમાટીબાગમાં હરણ ખાના તરફના લોખંડના બ્રિજમાં ક્ષતિ જણાતાં તે બંધ કરાયો હતો. તેની જગ્યાએ નવો બ્રિજ બનાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *