આજે દુનિયા આખી નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ પ્રતિભાને સ્વીકારે છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના એક નાના ગામ બુધાનામાં ખેડૂત પરિવારમાં જન્મેલા નવાઝની બોલિવૂડમાં સફર સરળ નહોતી. ક્યારેક તે ચોકીદાર તરીકે કામ કરતો તો ક્યારેક બિસ્કિટ ખાઈને ગુજરાન ચલાવતો.
કઠિન સંઘર્ષ છતાં, નવાઝે ક્યારેય હિંમત ન હારી. તેનું એક જ સ્વપ્ન હતું, એક્ટર બનવાનું. ભલે આ સ્વપ્નને પૂર્ણ થવામાં 50 વર્ષ લાગે. એટલા માટે તેણે પોતાની કારકિર્દી માટે પ્લાન B બનાવ્યો નહીં.
અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પછી નવાઝે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. અત્યાર સુધી ઘણા યાદગાર પાત્રો ભજવી ચૂકેલા નવાઝનો વિવાદો સાથે પણ ઊંડો સંબંધ રહ્યો છે. પૂર્વ મિસ ઈન્ડિયા અર્થ અને બોલિવૂડ એક્ટ્રેસ નિહારિકા સિંહે તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
નવાઝુદ્દીન સિદ્દીકીએ NSD (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા) પહેલા ભારતેન્દુ નાટ્ય એકેડેમીમાંથી અભિનયનો અભ્યાસ કર્યો હતો. નવાઝુદ્દીને લખનઉની ભારતેન્દુ નાટ્ય એકેડેમીમાં દોઢ વર્ષ સુધી અભિનયનો અભ્યાસ કર્યો. આ પછી, તેણે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ લીધો અને ત્યાં અભિનયનો અભ્યાસ કર્યો. લખનઉમાં અભિનયનો અભ્યાસ કરતી વખતે, નવાઝે સસ્તા શાકભાજી ખરીદવા માટે એક વર્ષ સુધી અંધ વ્યક્તિ તરીકે એક્ટિંગ કરી. આ સમય દરમિયાન શાકભાજી વેચનાર સમજી શક્યો નહીં કે તે હકીકતમાં અંધ નથી.